અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતોએ તેમના કાચા સોના સમાન ડાંગરનો પાક રોડ પર સુકવ્યો છે.ખેતરમાથી કાઢવામાં આવેલ ડાંગરને ભેજ મુક્ત બનાવવા ખેડૂતો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધરતીપુત્રોની મહેનતનું કાચું સોનું એટલે કે ડાંગર રસ્તા પર પથરાયેલું જોવા મળી રહ્યું છે. હાંસોટના રોહિદથી પંડવાઈ સુધીના અંદાજે 8થી 10 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ખેડૂતો દ્વારા ડાંગર પાથરીને તેને તડકામાં સૂકવવામાં આવી રહ્યું છે.ખેતરમાંથી લણણી કરીને લાવવામાં આવેલા ડાંગરમાં રહેલો ભેજ દૂર કરવા માટે ખેડૂતો આ કવાયત કરી રહ્યા છે. ડાંગરમાં અંદાજે 15 ટકા જેટલો ભેજ હોય તો બજારમાં તેનો ઓછો ભાવ મળતો હોવાથી ખેડૂતો ડાંગરને સારી રીતે સૂકવીને વેચાણ માટે તૈયાર કરી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા વર્ષોથી ડાંગરને રસ્તા પર સૂકવવાની આ પ્રથા જોવા મળી રહી છે. અગાઉના સમયમાં ડાંગરની ખેતીનું પ્રમાણ ઓછું હતું અને ગામડાંઓમાં ડાંગર સૂકવવા માટે ખળીની સુવિધા ઉપલબ્ધ હતી. જેના કારણે રસ્તા પર ડાંગર સૂકવવાની જરૂરિયાત ઓછી રહેતી હતી.આ વર્ષે ડાંગરના ભાવમાં ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ સારો ભાવ મળી રહ્યો છે. ગત વર્ષે પ્રતિમણ રૂ. 450ના ભાવે વેચાતું ડાંગર આ વર્ષે પ્રતિમણ રૂ. 500થી રૂ. 520 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે, ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે ડાંગરનું ઉત્પાદન ઘટયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.બીજી તરફ્, આ વર્ષે માવઠું ન થતાં ખેડૂતોને રાહત મળી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો