અંકલેશ્વર : અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોમાસાની શરૂઆત સાથે જ અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો, કર્મચારીઓ અને ઉદ્યોગોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી ગટરોની યોગ્ય સફાઈ ન થતાં અનેક સ્થળોએ પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક ઉદ્યોગકારોમાં ચર્ચા છે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડ્રેનેજ વિભાગ દ્વારા વરસાદી ગટરોની સફાઈ માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં અનેક ગટરો હજુ પણ ચોકઅપ હાલતમાં જોવા મળે છે. જેના કારણે આ ખર્ચની અસરકારકતા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.ખાસ કરીને જીઆઈડીસીના લો-લેવલ વિસ્તારમાં આવેલી કંપનીઓમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પણ વરસાદી પાણી ભરાવાને કારણે અનેક કંપનીઓને ઉત્પાદન બંધ કરવું પડયું હતું અને કેટલીક કંપનીઓને GPCBની ક્લોઝર નોટિસનો પણ સામનો કરવો પડયો હતો. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વિવિધ કંપનીઓ અને GPCB દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં એસ્ટેટની વરસાદી ડ્રેનેજોની સફાઈનું કામ હજુ સુધી આશરે 60 ટકા પણ પૂર્ણ થયું નથી. જેના કારણે આગામી ભારે વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
