અંકલેશ્વરમાંથી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પોસડોડા અને અફીણનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે ભરૂચ SOG દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરના અમરતપુરા વિસ્તારમાં આવેલી હોટલ બેન્સનના કમ્પાઉન્ડમાં દુકાન નંબર-5 પાસેથી પોસડોડા અને અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.SOG પોલીસે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી અને હાલ અંકલેશ્વરના નૌગામા ગામની સાઈધામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ભૈરારામ ચૌધરીને ઝડપી પાડયો હતો. પોલીસને આરોપી પાસેથી 9.959 કિલોગ્રામ પોસડોડા, 258 ગ્રામ અફીણ તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 2,93,385નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે બાલોતરા શહેરના મુલારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી નશાકારક પદાર્થોનો જથ્થો આર્થિક લાભ મેળવવા અન્યને વેચાણ કરવાના ઇરાદે રાખતો હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. પોલીસે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો