ઔદ્યોગિક નગરી અંકલેશ્વર GIDC માં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.GIDC વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં છલોછલ આછા લાલ રંગનું પાણી વહેતું જોવા મળતાં ઔદ્યોગિક પ્રદૂષણ સામે અનેક સવાલો ઊભા થયા છે. ખુલ્લી ગટરમાં આ પ્રકારે રંગીન પાણીનો પ્રવાહ જોવા મળતાં આસપાસના પર્યાવરણ અને જળ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ખુલ્લી ગટરમાં વહેતા આછા લાલ રંગના પાણી પાછળનું ચોક્કસ કારણ શું છે કઈ કંપની કે એકમમાંથી આ પાણી આવી રહ્યું છે શું કોઈ એકમ દ્વારા દૂષિત પાણી ગેરકાયદેસર રીતે બહાર છોડવામાં આવી રહ્યું છે આ તમામ બાબતો હાલ તપાસનો વિષય બની છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર GPCB, GAMMI અને NCTની ટીમોએ સંકલન સાથે રાત્રિ દરમિયાન સઘન મોનિટરિંગ હાથ ધરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીનેરાત્રિના સમયે ઓપન ક્રિકમાં છોડવામાં આવતા પાણીના પ્રવાહ પર સતત નજર રાખી, પાણીના નમૂનાઓ લઈને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવે તો દૂષિત પાણીના સ્ત્ર્રોત સુધી પહોંચવામાં મદદ મળી શકે તેમ છે. જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા નિયમોનો ભંગ કરીને અનએકાઉન્ટેડ દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોય તો જવાબદાર એકમની ઓળખ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. માત્ર કાગળ પર મોનિટરિંગ નહીં, પરંતુ સ્થળ પર સતત દેખરેખ અને પરિણામલક્ષી કાર્યવાહી થાય તે જરૂરી છે.
