ઔદ્યોગિક વિસ્તાર પાનોલીGIDCમાં પ્રદૂષણને લઈને વધુ એક ચિંતાજનક દૃશ્ય સામે આવ્યું છે. એક કંપનીને અડીને આવેલી જમીન પર સફેદ પદાર્થના થર જામી જતાં આસપાસના વિસ્તારમાં જમીન પ્રદૂષણની આશંકા ઊભી થઈ છે. પ્રાથમિક દૃશ્યમાં જમીન પર સફેદ રંગનો પદાર્થ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આ પદાર્થ આખરે કયા પ્રકારનો છે અને તે ક્યાંથી આવ્યો છે તે હાલ સ્પષ્ટ થયું નથી. જોકે, જે તે કંપનીની દીવાલમાંથી કોઈ કેમિકલયુકત પ્રવાહીનું સીપેજ થઈ રહ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જમીન પર આ રીતે સફેદ પદાર્થ ફેલાતો રહે તો જમીનની ગુણવત્તા અને પર્યાવરણને નુકસાન થવાની આશંકા નકારી શકાય તેમ નથી. આ પદાર્થ કોઈ ઔદ્યોગિક કેમિકલ છે કે અન્ય કોઈ અવશેષ છે તે માત્ર વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ સમગ્ર મામલે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. સંબંધિત સ્થળેથી સફેદ પદાર્થના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે તેમજ કંપનીની દીવાલ અને આસપાસના વિસ્તારમાં સીપેજ અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તે જરૂરી છે. જો તપાસ દરમિયાન કોઈ કંપનીની બેદરકારી અથવા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન સામે આવે તો જવાબદાર એકમ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. હવે જોવાનું એ રહેશે કે GPCB તંત્ર આ ગંભીર દેખાતા દૃશ્યની નોંધ લઈ તપાસ ક્યારેહાથ ધરે છે અને સફેદ પદાર્થનું રહસ્ય ક્યારે ઉકેલાય છે.
