અંકલેશ્વર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.


અંકલેશ્વરના માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પિલુદ્રા ગામ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પિલુદ્રા ગામમાં કુલ 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતન તથા સંવર્ધનનો સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમને ઉદ્યોગ મંડળ, બેઇલ કંપની સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે પર્યાવરણની સમતુલા જાળવવા માટે માત્ર વૃક્ષો વાવવા પૂરતા નથી, પરંતુ તેનું યોગ્ય જતન અને સંવર્ધન કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મનગ પટેલ, ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ્, અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી. મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: