દઢાલ ગામથી સાગબારા ફાટક તરફ્ જતાં પુલ નીચે અમરાવતી ખાડીના પાણીમાંથી તા. 20 જૂન 2026ના રોજ એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે લાશનો કબજો લઇને તપાસ કરતા મૃતક યુવક ભરૂચનો હોવાની ઓળખ જાહેર થઇ હતી. યુવકની હત્યા કરીને લાશ અહી ફેંકી દેવાઇ હતી. હવે પોલીસ હત્યારાઓને શોધી રહી છે.
ભરૂચમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવા ગુમ થયા બાદ તેમનો મૃતદેહ અંકલેશ્વર નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતદેહ પર ડાબા હાથનું ટેટૂ અને જમણા હાથમાં લાલ દોરો બંધાયેલો હોવાથી પરિવારજનોએ તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી.મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા 17 જૂનના રોજ બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરાવવામાં આવી હતી.સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે. વધુમાં, મૃતકની બાઇક પણ હજુ સુધી મળી આવી નથી.અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલી મોટરસાયકલ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
