અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા ગાંધીનગર જઈ રહેલી ટ્રેક્ટર રેલીને પોલીસે અંકલેશ્વર નજીક અટકાવી હતી. આ દરમિયાન પોલીસે 10થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી, જેના કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ખેડૂતો ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ લાઇનના વિરોધમાં અને પોતાની વિવિધ માંગણીઓ જેવી કે પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને દેવા માફી માટે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો 25 ટ્રેક્ટર અને 50 કારના કાફ્લા સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા. હાંસોટ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની કડકડીયા કોલેજ નજીક પોલીસે રેલીને આગળ વધવાની મંજૂરી ન હોવાનું જણાવી અટકાવી હતી. પોલીસની આ કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ઘટના બાદ પોલીસે 10થી વધુ ખેડૂતોને ડિટેઇન કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો