અંકલેશ્વર : માનવતાને શરમાવે અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાતી એક ચોંકાવનારી ઘટના અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી સામે આવી છે. અહીં રસ્તાઓની બિસ્માર હાલતને કારણે એક શોકગ્રસ્ત પરિવારને પોતાના સ્વજનની અંતિમયાત્રા અત્યંત ગંદકી અને કાદવ-કીચડની વચ્ચેથી પસાર થઈને કાઢવાની ફરજ પડી હતી.
સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકોને ઠેકડા મારતા અને કાદવમાં ખૂંપતા-ખૂંપતા જવું પડયું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સુરતી ભાગોળ વિસ્તારનો આ મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. હાલમાં થઈ રહેલા વરસાદને કારણે આખો રસ્તો કાદવ-કીચડથી ખદબદી રહ્યો છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાછે. સામાન્ય દિવસોમાં પણ અહીંથી ચાલવું મુશ્કેલ છે, ત્યારે આવા કપરા સમયે અંતિમયાત્રા કાઢવામાં લોકોને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડયો હતો.
આ ગંભીર સમસ્યાને લઈને વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, તંત્રને અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. જો વહેલી તકે આ સમસ્યાનું નિવારણ નહીં આવે અને નગરપાલિકામાં હલ્લાબોલ કરીશું, તો નગરપાલિકા પ્રમુખને પણ અહીંથી ભાગવાનો વારો આવશે.
આ માર્ગ જિલ્લા પંચાયત હસ્તક આવતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સ્થાનિકોનો સવાલ એ છે કે રસ્તો ગમે તે વિભાગનો હોય, ભોગવવાનું તો જનતાને જ આવે છે ને? સત્તાધીશો માત્ર એકબીજા પર જવાબદારી ઢોળીને હાથ ઊંચા કરી લે છે, જ્યારે સામાન્ય નાગરિકો જીવના જોખમે અને આવી નરકાગાર સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.
સુરતી ભાગોળના રહીશોએ વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત પાસે માંગ કરી છે કે આ માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પરિવારને આવા દુઃખદ સમયે વધુ પીડા અને અપમાનજનક સ્થિતિનો સામનો ન કરવો પડે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો