અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વિવિધ વિસ્તારોમાં રંગયુક્ત તેમજ દુર્ગંધયુક્ત કન્ટામિનેટેડ પાણી વહેતું હોવાનું પ્રકૃતિ સુરક્ષા મંડળે નોંધ્યું છે. સંસ્થાએ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની અંકલેશ્વર કચેરીને ફરિયાદ કરતાં અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તા. 04-07-2026ના રોજ પણ C-ચેનલમાંથી અમરાવતી નદી તરફ્ પ્રદૂષિત પાણી વહેતું હોવાનું પ્રકૃતિ સુરક્ષા મંડળે રજૂ કર્યું હતું. ફરિયાદના આધારે GPCBના પ્રાદેશિકઅધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સંસ્થાના જણાવ્યા મુજબ તે સમયે પંપો બંધ હાલતમાં હતા, ફ્લડ ગેટ ખુલ્લો હતો તેમજ પ્રદૂષણ માપવાના સાધનો પણ બંધ હોવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ GPCB દ્વારા નોટિફાઇડ વિસ્તારના સંબંધિત વિભાગનેલેખિત નોટિસ આપવામાં આવી હતી.

પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું છે કે અગાઉ કેટલાક ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારોએ પ્રદૂષિત પાણી વહેવાના અહેવાલોને નકાર્યા હતા અને પ્રજાને આવા સમાચારો પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. સંસ્થાનો પ્રશ્ન છે કે જો અહેવાલો સંપૂર્ણપણે ખોટા હતા તો ત્યારબાદGPCBદ્વારા નોટિસ કેમ આપવામાં આવી?

સંસ્થાના જણાવ્યા અનુસાર ઘણી વખત ફરિયાદ સમયે પ્રદૂષિત પાણી સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ અધિકૃત તપાસ સુધીમાં પરિસ્થિતિમાં ફેરફર થઈ જતો હોવાથી વાસ્તવિક સ્થિતિ નોંધવામાં મુશ્કેલી પડે છે. તા. 04-07-2026ની ઘટનાના સમયેGPCBના અધિકારી ઉપરાંત પંપ સંચાલન સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર પણ સ્થળ પર હાજર હતા. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આ પ્રદૂષણના મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતાં પ્રદૂષણ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ જરૂરી છે. સ્થાનિક સ્તરે અસરકારક અને પારદર્શક ઉકેલ લાવવામાં આવે, કારણ કે સતત આવી ઘટનાઓથી આખી ઔદ્યોગિક વસાહતની પ્રતિષ્ઠા અને પર્યાવરણ બંનેને નુકસાન થઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો