અંકલેશ્વરના ઉદ્યોગકારો સહિત અર્થ શાસ્ત્ર્રીઓએ સંસદમાં રજૂ કરવામાં આવેલા દેશના યુનિયન બજેટને આવકાર આપી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા યુનિયન બજેટને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે. અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ઉદ્યોગોને નવી દિશા અને બળ આપશે તેવી આશા ઉદ્યોગજગતે વ્યક્ત કરી છે.આ બજેટમાં ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. સેક્ટરને વધુ સશક્ત બનાવવાનો સરકારનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અંકલેશ્વર-ભરૂચના કેમિકલ અને ફર્મા ઉદ્યોગો માટે આ બજેટ આશાવાદી હોવાનું ઉદ્યોગપતિ વાલમજી દેસાઈએ જણાવ્યું હતું. તેમના મતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી જોગવાઈઓથી ઉત્પાદન અને રોકાણમાં વધારો થશે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા વર્ષ 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારા કારણે ઉદ્યોગોને ચોક્કસ લાભ મળશે અને લોજિસ્ટિક ખર્ચ ઘટશે.રાષ્ટ્ર વિકાસની ભાવનાથી જાહેર કરાયેલા આ બજેટથી દેશની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈએ પહોંચશે એવો આશાવાદ પણ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે. વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ પારીકે પણ બજેટને આવકાર આપતા જણાવ્યું કે આ બજેટ દેશના દરેક વર્ગના નાગરિકો માટે અનુકૂળ છે અને લાંબા ગાળે વિકાસને વેગ આપશે.
મોટા ભાગના તમામ તજજ્ઞોએ આ યુનિયન બજેટને વિકાસલક્ષી અને ઉદ્યોગમૈત્રી ગણાવી સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો