કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યૂ પાર્કમાં વધુ એક દીવાલ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા અને કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં થયેલા વરસાદ બાદ દીવાલ તૂટી પડવાની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે.
શાસકોએ પાર્કની માત્ર મુલાકાતો અને ફેટોસેશન સુધી જ પોતાની જવાબદારી મર્યાદિત રાખી હતી, જ્યારે બાંધકામની ગુણવત્તા અને લાંબા ગાળાની સલામતી અંગે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. હવે વારંવાર દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓને કારણે સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગની માંગ છે કે, નગરપાલિકા અને વર્તમાન શાસકો દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટર પાસેથી પાર્કની તમામ દીવાલોનો સ્વતંત્ર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવવામાં આવે. જો બાંધકામમાં બેદરકારી કે ગુણવત્તાનો અભાવ જણાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નાગરિકોનું કહેવું છે કે, જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ દીવાલો ધરાશાયી થવાની સાથે કોઈ દુર્ઘટના સર્જાવાનો પણ ભય રહેલો છે. તેથી પાર્કમાં આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તકેદારીના પગલાં ભરવા જરૂરી બન્યા છે. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પાર્કમાં હવે ફરીથી સમારકામ અને પુનઃનિર્માણ પાછળ લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે, જેના કારણે જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
