દસ દિવસ સુધી જે ગણેશજીની ભાવપૂર્વક આરતી ઉતારી, ભક્તિભાવથી લાડ લડાવ્યા અને ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા ના ગગનભેદી નારા સાથે અશ્રુંભીની આંખે જેમને વિદાય આપી-તે જ દુંદાળા દેવની આવી દયનીય હાલત જોઈને કોઈ પણ શ્રાદ્ધાળુનું હૃદય દ્રવી ઊઠે. ?અંકલેશ્વરના દીવા રોડ પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડમાં પાલિકા તંત્રની ઘોર લાપરવાહીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. પર્યાવરણના જતન અને ભક્તિના નામે બનાવાયેલા આ કુંડમાં યોગ્ય માત્રામાં પાણી ન ભરતાં વિઘ્નહર્તાની મૂર્તિઓનું યોગ્ય અને સન્માનજનક વિસર્જન થઈ શક્યું નથી.

કુંડમાં પૂરતું પાણી ન હોવાને કારણે શ્રીજીની મૂર્તિઓ જળ સમાધિ લેવાના બદલે પ્લાસ્ટિકના તાડપત્રીવાળા કુંડમાં અધવચ્ચે કાદવ-કીચડ અને છીછરા ગંદા પાણીમાં રઝળતી જોવા મળી રહી છે. ક્યાંક મૂર્તિઓ એકબીજા પર અસ્તવ્યસ્ત પડેલી છે તો ક્યાંક ભગવાનના શ્રીઅંગો છીછરા પાણીની બહાર ખુલ્લા પડી રહ્યા છે. જે દેવની એક ઝલક મેળવવા ભક્તો કલાકો સુધી હાથ જોડીને ઊભા રહેતા હતા, તે જ દેવ આજે તંત્રની અણઆવડતના પાપે અસહાય અવસ્થામાં પડેલા જોવા મળે છે.

ભક્તોએ તંત્રના આદેશોનું પાલન કરીને નદી-તળાવના બદલે પાલિકાના કૃત્રિમ કુંડમાં મૂર્તિઓ સોંપી હતી. પરંતુ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ માત્ર ખાનાપૂર્તિ કરીને સંતોષ માની લીધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાણીના યોગ્ય સ્તર વિના જ વિસર્જન શરૂ કરાવી દેવાતાં બાપ્પાની મૂર્તિઓ યોગ્ય રીતે વિસર્જિત થવાને બદલે ખુલ્લી પડી રહી છે.

આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા જ સમગ્રઅંકલેશ્વરના ગણેશભક્તોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. ?ભક્તો હવે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ તમામ મૂર્તિઓનું સંપૂર્ણ શાસ્ત્ર્રોક્ત વિધિ અને પૂરા માન-સન્માન સાથે પુનઃ વિસર્જન કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં ભરાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો