અંકલેશ્વર : અંકલેશ્વરમાં રવિવારે ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરીયા ઉપરાંત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના પ્રારંભે ભરૂચીનાકા સ્થિત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને મહાનુભાવોએ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં પહોંચ્યા બાદ ત્યાં સમારોહ યોજાયો હતો.સમારોહ દરમિયાન આદિવાસી સમાજના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રમતવીરો તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્ર્રી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, નગરપાલિકાના સભ્યો સહિત મહેમાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
