સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈને છેતરાતા લોકોની સંખ્યા વધી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં એક યુવાન સાથે થયેલી છેતરપિંડીના મામલે પોલીસે સફળતા મેળવી છે. ફેસબુક પર ફાઇનાન્સની ખોટી જાહેરાત મૂકી પ્રોસેસિંગ ફીના નામે નાણાં પડાવનાર શખ્સ હવે પોલીસના સકંજામાં છે.અંકલેશ્વરના કોસમડી ગામે આવેલા યોગી નગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉતને તેમના ભાઈના લગ્ન પ્રસંગ હોવાથી નાણાંની જરૂર હતી. આ દરમિયાન તેમણે ફેસબુક પર 'શ્રીરામ ફાઇનાન્સ' ના નામે લોન આપવાની એક જાહેરાત જોઈ હતી. અતુલભાઈએ જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સામા પક્ષે પોતાને બેંક પ્રતિનિધિ તરીકે ઓળખાવી 5 લાખની લોન મંજૂર કરાવવાની લાલચ આપી હતી.
પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી
ઠગબાજે અતુલભાઈને વિશ્વાસમાં લઈ તમામ જરૂરી દસ્તાવેજો વોટ્સએપ પર મંગાવ્યા હતા. ત્યારબાદ, લોન પ્રોસેસિંગના બહાને તેમની પાસેથી 5500 રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હતા. જોકે, નાણાં ચૂકવ્યા બાદ પણ લોનની રકમ બેંક ખાતામાં જમા ન થતાં અને સામો પક્ષ ગોળ-ગોળ જવાબ આપવા લાગતા અતુલભાઈને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.










