અંકલેશ્વર શહેરમાં ગઈકાલે માત્ર એક કલાકના ભારે વરસાદ બાદ આમલાખાડી ઓવરફ્લો થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે માર્ગવ્યવહાર ખોરવાયો, અનેક રસ્તાઓને નુકસાન થયું, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા અને વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ખામી સર્જાતા શહેર તથા તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો.

પ્રકૃતિ સુરક્ષા મંડળના જણાવ્યા મુજબ આ માત્ર ભારે વરસાદનું પરિણામ નથી, પરંતુ માનવસર્જિત બેદરકારીનું પરિણામ હોવાની ગંભીર શંકા છે. મંડળના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી ઉપર બનાવવામાં આવેલ હંગામી બ્રિજ આજે પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો નથી. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ હંગામી બ્રિજની ડિઝાઇન પણ પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કરતી હોવાનું માનવામાં આવે છે. મંડળે દાવો કર્યો છે કે અંદાજે બે મહિના પહેલાં બંને મુદ્દે સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરીને ચોમાસા પહેલાં અવરોધ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વરસાદ દરમિયાન આમલાખાડી ઓવરફ્લો થઈ શકે છે. તેમ છતાં સમયસર કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા.