અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સંતુ રામજી મુખિયા ભરૂચના કોલેજ રોડ પર એક રોડ કન્સ્ટ્રક્શન સાઇટ પર જેસીબી ચલાવતો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.


 બિહારથી ભરૂચ સુધીની તપાસ

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ફરાર આરોપીઓને પકડવા માટે DySP ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ મથકના PI એસ.એમ. દેસાઈ અને તેમની ટીમે ખાસ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનાર મહિલાની પૂછપરછમાં આરોપી સંતુ મુખિયાએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તેની વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીને પકડવા માટે અગાઉ પોલીસની ટીમ ચાર વખત તેના વતન બિહાર પણ મોકલવામાં આવી હતી, પરંતુ તે દરેક વખતે પોલીસથી બચીને નાસતો ફરતો હતો.

 કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પકડાયો

પોલીસને વિશ્વસનીય બાતમી મળી હતી કે, દોઢ વર્ષથી ફરાર આ આરોપી સંતુ રામજી મુખિયા હાલમાં ભરૂચના કોલેજ રોડ પર એક રોડ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે.સી.બી. ચલાવીને છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી અને તેને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: