અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ જ વરસાદ દરમિયાન સી-પમ્પિંગ સ્ટેશન ઉભરાઈ જતાં વરસાદી ગટર વ્યવસ્થા અને પ્રદૂષણ નિયંત્રણની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં ભળી વરસાદી પાણી સાથે વહેતું જોવા મળતાં પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં જવાબદાર વિભાગો અને ઉદ્યોગોને લેખિત તેમજ મૌખિક રીતે અગાઉથી તકેદારી રાખવા રજૂઆતો કરવામાં આવતી રહી છે. તેમ છતાં આ વર્ષે પણ સમસ્યાનું પુનરાવર્તન થતાં તંત્રની તૈયારી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. વરસાદી પાણી સાથે વહેતું પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓ અને ડ્રેનેજ મારફ્તે અંતે નર્મદા નદી તથા અરબી સમુદ્ર સુધી પહોંચે છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે તે જળચર જીવસૃષ્ટિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓએ જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
