અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ત્રિચી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના એક મુખ્ય સાગરીત સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી પાડી ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 8 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
ગત 31 ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં સર્કલ ત્રણ રસ્તા પાસે આવેલી બેંક ઓફ્ બરોડામાંથી એક નાગરિક રૂ. 1 લાખ રોકડા ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂકીને ચૌટા બજાર ગયા હતા. ત્યાં અજાણ્યા ચોરે ડેકી તોડી રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી થેલીની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે અંકલેશ્વરથી પલસાણા સુધીના 400 જેટલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. તપાસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા નજીક ઈટારવા વિસ્તારમાંથી શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા. મુખ્ય આરોપી ડી. વેંકટેશને માત્ર તમિલ ભાષા જ આવડતી હોવાથી પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેશન ટૂલની મદદથી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગબેંક અને ભીડભાડવાળા બજારો પાસે પાર્ક કરેલા વાહનોની રેકી કરતી હતી. ત્યારબાદ વાહનચાલકનું ધ્યાન ભટકાવવા માટે તમારા પૈસા નીચે પડી ગયા છે, અથવા ગાડીમાંથી ઓઈલ લીક થાય છે, જેવી અફ્વાઓ ફેલાવી ધ્યાન ભટકાવતા અને વાહનની ડેકી કે કાચ તોડી રોકડ અને સામાન ચોરીને ફરાર થઈ જતા હતા.
