અરવલ્લી જિલ્લાના નવરચીત સાઠંબા તાલુકા મથકની સાઠંબા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો પ્રત્યે સરપંચ ઉદાસિનતા દાખવતા હોવાના આક્ષેપ સાથે કુલ 12 પૈકી 10 સભ્યોએ સાઠંબા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરતા ચકચાર મચી છે. ગ્રામ પંચાયતના સરપંચ મનસ્વી વર્તન કરતા હોવાનો પણ સભ્યોએ આક્ષેપ કરી ટીડીઓને યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી છે.


સાઠંબા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં ચૂંટણી થયા બાદ યુવા અને શિક્ષિત સરપંચ પદે ચૂંટાઈ આવતા ગ્રામજનોને તેમની પાસેથી વિકાસના કામોની મોટી અપેક્ષા હતી. પરંતુ ચૂંટણીને પાંચ મહિના થવા આવ્યા છતા આ અપેક્ષાઓ ઠગારી નિવડી હોવાની ખુદ ગ્રામજનોમાં જ ચર્ચાઓ ઉઠી રહી છે. ત્યારે હવે સરપંચની ઉદાસિનતાથી સભ્યો પણ થાક્યા હોય તેમ સાઠંબા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજુઆત કરી છે. ગ્રામ પંચાયતના કુલ 12 પૈકી 10 સભ્યોની સહી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરેલી રજુઆત મુજબ સરપંચે છેલ્લા પાંચ મહિનાથી વિકાસના કામો કર્યા નથી. છેલ્લા પાંચ મહિનાથી વિકાસનું કોઈ પણ કામ કર્યું નથી. સાઠંબા ગ્રામ પંચાયતમાં સને 2023/24 અને સને 2024/25ના 15માં નાણાપંચના ખાતામાં અંદાજે રૂ. 30 લાખના કામો મંજુર થયેલા છે. પરંતુ આજદિન સુધી તેના વર્ક ઓર્ડર કે નક્શા આપ્યા નથી. સાઠંબા ગ્રામ પંચાયતના સભ્યોએ વારંવાર રજુઆતો કરવા છતા મનસ્વી વર્તન કરી સરપંચ વિકાસના કોઈ પણ કામ કરવામાં રસ દાખવતા નથી તેવા આક્ષેપો સભ્યોએ કર્યા છે. એટલુ જ નહી, સાઠંબા ગામમાં હાલમાં ગંદકીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે. અધુરામાં પુરૂ ગામમાં પાંચ દિવસે પાણી આવે છે છતાં સરપંચ કંઈ જ ધ્યાન આપતા ન હોવાની સભ્યો હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. આ મામલે સાઠંબા તાલુકા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરે તેવી સભ્યોએ માગણી કરી છે. સાઠંબા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ સામે મોરચો માંડતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: