અરવલ્લી જીલ્લામાં પોલીસ દ્વારા ચોરીના બનાવો અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આંબલીયારા પોલીસ મથક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસે બાતમીના આધારે કેવલ વાયર ચોરી કરનારા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. આંબલીયારા પોલીસને બાતમી મળી હતી કે રમોસ ગામના સિમ વિસ્તારમાં આવેલ વાત્રક નદીના પટમાંથી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે મૂકવામાં આવેલ સબમર્સીબલ મોટરોના કેબલ વાયરોની ચોરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ સુનીલ ઉર્ફે ફુલો બીજલભાઈ પરમારને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા મુખ્ય આરોપીએ પોતાના અન્ય સાથીદારો સુજીત ઉર્ફે ભોલો ગાંડાભાઈ પરમાર, આકાશ કમલેશભાઈ પરમાર સાથે મળીને કેબલ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં ચોરી કરેલ આ કેબલ વાયરો અમિત રોહિતભાઈ દેવીપૂજકને વેચાણ આપ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કેબલ પટ્ટીવાયર, કોપર વાયરના ગુંચળા, કેબલ કાપવાના સાધનો (બ્લેડ કટર), બે મોબાઈલ ફોન, બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં સુનીલ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આંબલીયારા પોલીસે ખેડૂતોને પરેશાન કરતી કેબલ ચોરીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
