અરવલ્લી જિલ્લાના ધનસુરા વિસ્તારમાં ભોળા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતા બે ભેજાબાજ શખ્સોને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સો સાધુનો વેશ ધારણ કરી કાળો જાદુ અને મંત્ર-તંત્રના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. ધનસુરા પોલીસ મથકે નોંધાયેલા આ ગંભીર ગુનાને એસ.ઓ.જી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ડિટેક્ટ કરી સફળતા મેળવી છે.
9.90 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ. 9.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં છેતરપિંડી કરીને મેળવેલી રોકડ રકમ, સોના-ચાંદીના કિંમતી દાગીના, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી હ્યુન્ડાઈ ક્રેટા કારનો સમાવેશ થાય છે. આ શખ્સો આલીશાન ગાડીમાં સાધુ બનીને ફરતા હતા અને લોકોના દુઃખ દૂર કરવાના બહાને અથવા તો ઘરે દન દટાયેલું હોવાની લાલચ આપી વિધિના નામે છેતરપિંડી આચરતા હતા.













