માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે જોપાવાળા ખેતરની જમીનના માલિકી હક બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે માલપુર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ, ગોવિંદપુર ગામના પ્રકાશભાઈ વાલાભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે જોપાવાળા ખેતરમાં ગયા હતા. દરમિયાન ગામના જ રવિદત જવાનજી પાંડોર ટ્રેક્ટર વડે ખેતરમાં ખેડાણ કરતા હતા. જેથી પ્રકાશભાઈએ આ જમીન પોતાની હોવાનું જણાવી ખેતરમાં ખેડાણ કેમ કર્યું તેમ પૂછતાં રવિદત પાંડોર ઉશ્કેરાઈ ગયા હતા અને જમીન પોતાની હોવાનું કહી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ હાથમાં રહેલા દાતરડા સાથે દોડી આવી પ્રકાશભાઈના પિતા વાલાભાઈ વસ્તાભાઈ પટેલના ડાબા હાથે ઘા માર્યાનો આક્ષેપ છે. તેમજ પ્રકાશભાઈને માર માર્યો હતો. અન્ય પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન રવિદત પાંડોરના પક્ષે જશીબેન જવાનજી પાંડોરે પથ્થરમારો કરી પરિવારના સભ્યોને ઈજા પહોંચાડી હોવાનો તેમજ ખેતરમાં ફરી આવશો તો જાનથી મારવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. ઈમરજન્સી 112ને જાણ કરાતાં એમ્બ્યુલન્સ મારફ્તે ઈજાગ્રસ્ત વાલાભાઈને માલપુર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોડાસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવમાં બીજી તરફ્ રવિદત જવાનજી પાંડોરની ફરિયાદ મુજબ, તેઓ પોતાની માતા જશીબેન સાથે જોપાવાળા ખેતરમાં ગયા હતા. તે સમયે ખેતરમાં વાલાભાઈ વસ્તાભાઈ પટેલ, હીરાભાઈ જેસીંગભાઈ પટેલ અને ભરતભાઈ રામાભાઈ પટેલ હાજર હતા. જમીન બાબતે પૂછપરછ અને ઉતારા બતાવવાની વાત કરતાં બોલાચાલી ઉગ્ર બની હતી. જેમાં પ્રકાશભાઈ, વાલાભાઈ સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. માતા જશીબેન વચ્ચે છોડાવવા જતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને પણ માલપુર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોડાસા ખસેડાયા હતા. આમ, જમીનના માલિકી હકના વિવાદમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં માલપુર પોલીસે એક પક્ષે રવિદત જવાનજી પાંડોર અને જશીબેન જવાનજી પાંડોર વિરુદ્ધ, જ્યારે સામા પક્ષે ભરતભાઈ રામાભાઈ પટેલ, વાલાભાઈ વસ્તાભાઈ પટેલ, પ્રકાશભાઈ વાલાભાઈ પટેલ અને હીરાભાઈ જેસીંગભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો