અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઘોરવાડા ગામમાં ખેડૂતના ઘઉંના ખેતરમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું છે. માહિતી મુજબ ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનના તાર ટકરાતા તણખલા પડ્યા હતા, જેના કારણે ખેતરમાં ઉભા ઘઉંના પાકમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ખેતર આગની ઝપેટમાં આવી ગયું હતું.


આશરે 200 મણ જેટલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો

આ આગની ઘટનામાં આશરે 200 મણ જેટલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ પાક મુળચંદભાઈ તારાલનો હતો અને તેમની આખી વર્ષની મહેનત પળવારમાં બળીને ખાખ થઈ ગઈ છે. ખેડૂત માટે આ પાક જીવનનિર્વાહનું મુખ્ય સાધન હોવાથી આ ઘટના તેમના માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ છે.

વીજતંત્ર પર ઘોર બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા

આ ઘટનાને લઈને ગ્રામજનો અને ખેડૂતોએ વીજતંત્ર પર ઘોર બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ વિભાગની બેદરકારીને કારણે એક ખેડૂતની મહેનત અને પાક બળી ગયો છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનની તપાસ કરીને ખેડૂતને વળતર આપવાની માંગ પણ ઉઠી છે.


આ પણ વાંચો---     Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

  • Follow us on: