અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકામાં રવિવારે ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉઘ્દાટન કરવામાં આવ્યું. આ પુસ્તકાલય નવા તાલુકાના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પ્રસંગે મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી તાલુકો તાજેતરમાં જ અલગ તાલુકા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે અને રાજ્ય સરકાર આ નવા તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પુસ્તકાલય એ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ જ્ઞાનનું કેન્દ્ર છે. આજના યુગમાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુણવત્તાયુક્ત સંસાધનોની જરૂર છે. આ પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે શાંત વાતાવરણ, આધુનિક પુસ્તકો, સામયિકો, અખબારો તથા ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ખાસ લાભ મળે તે માટે આ પુસ્તકાલય મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ વાંચન કરવા અને જ્ઞાન મેળવવા પ્રેરણા આપી હતી.
