ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી અને અમદાવાદ જઈ રહેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ટ્રકમાં રાખેલા ચંપલના બોક્સની આડમાં સંતાડવામાં આવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. બૂટલેગરોએ પોલીસની નજર ચૂકવવા માટે ચંપલના બોક્સનો સહારો લીધો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ પેતરો નિષ્ફળ રહ્યો હતો.

રૂ.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં વિદેશી દારૂની કુલ 8616 બોટલો જપ્ત કરવામાં આવી છે. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે 15,62,880 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત પોલીસે પરિવહન માટે વપરાયેલી ટ્રક, ચંપલના બોક્સ અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ 26,17,880 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાતા દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે ટ્રક ચાલકની કરી ધરપકડ 

શામળાજી પોલીસે આ મામલે ટ્રક ચાલકની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં કયા બૂટલેગરને પહોંચાડવાનો હતો. સરહદી વિસ્તારોમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ તેજ કરી દીધું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો