અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આગામી દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી આગામી ધાર્મિક કાર્યક્રમોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી હતી. ટ્રસ્ટી મંડળે આપેલ વિગતો અનુસાર, આગામી તા.21મી નવેમ્બરના રોજ શામળાજી મંદિર પરિસરમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અને પાવન દિવસે ભગવાન ગદાધર શામળિયાને ભક્ત દ્વારા અર્પણ કરાયેલો રૂ. 6 કરોડની કિંમતનો કલાત્મક સુવર્ણ મુગટ પરિધાન કરાવવામાં આવશે. આ સાથે જ આગામી કાર્તિકી પૂર્ણિમાના વિશ્વપ્રસિદ્ધ મેળાના સુચારુ આયોજન અંગે પણ પત્રકાર પરિષદમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. શામળાજી વિષ્ણુ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહોત્સવની રૂપરેખા આપી હતી. 21મી નવેમ્બરે યોજાનાર તુલસી વિવાહને લઈને સમગ્ર મંદિર પરિસરને અદ્દભુત રોશની અને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવશે. શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન અનુસાર વિવાહ મંડપ રોપવામાં આવશે, જેમાં વરપક્ષ અને કન્યાપક્ષ (વધૂપક્ષ) બંને પક્ષેથી હજારો શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાશે. પરંપરાગત ઢોલ-નગારા, શરણાઈના સૂર અને ભક્તિસંગીત વચ્ચે મામેરું અને જાનના સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ તુલસી વિવાહનું સૌથી મોટું આકર્ષણ ભગવાન શામળિયાનો મુગટ રહેશે. ઠાકોરજીને આ વિશેષ દિવસે આશરે રૂ. 6 કરોડના ખર્ચે તૈયાર થયેલો સુવર્ણ અને કિંમતી રત્નોથી જડિત મુગટ ધારણ કરાવવામાં આવશે, જે દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડશે. આ ઉપરાંત તુલસી વિવાહ બાદ શામળાજી ખાતે ભરાતા સુપ્રસિદ્ધ પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના લોકમેળા માટે પણ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે દર્શનાર્થીઓની સુરક્ષા, સુવિધા અને પાર્કિંગ સહિતનું વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો