અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબાગામ ખાતે ડીજે સાથે નિકળેલા વરઘોડામાં આરોપીઓેએ પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી. ડીજેના બેનર અને લાઈટીંગ તોડી નાખ્યા હતા. ગામમાં બીજાનું ડીજે લાવવા મામલે વરઘોડામાં બબાલ કરી હતી. રાત્રે વરઘોડામાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. છુટા પથ્થરના ઘા ઝીંકતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે વાત્રક હોસ્પિટલ સારવાર માટે ખસેડવા પડયા હતા. આ મામલે છ આરોપીઓના નામજોગ અને અન્ય દસ વ્યક્તિઓના ટોળા સામે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
બાયડ પોલીસ મથકે રાજેશ કાંતિભાઈ ખાંટે (ઉં.વ.50, રહે. આંબાગામ, તા. બાયડ, જિ. અરવલ્લી) નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 21મીએ તેમના દિકરાના લગ્ન પ્રસંગે રાત્રે નવેક વાગ્યાના અરસામાં ગામમાં ડીજે સાથે વરઘોડો કાઢયો હતો. તેમણે અન્ય ગામથી ડીજે મગાવ્યું હતુ. ડીજે સાથે વરઘોડામાં લોકો રાત્રે 10:30 કલાકના અરસામાં અંબે માતાજીના મંદિર નજીક પહોંચ્યા હતા. તે સમયે ગામના કિશન પરમાર, શંકરભાઈ પરમાર સહિતના તેમજ અન્ય દસેક માણસોનું ટોળું એકસંપ થઈને ડીજે આગળ આવ્યું હતુ. કોઈ કંઈ સમજે તે પહેલા ટોળાએ ડીજેના બેનરો ફાડી નાખ્યા હતા. ફરિયાદીએ આમ ન કરવા જણાવતા આરોપીઓએ કહેલું કે તમે તમારા દિકરાના લગ્નમાં ગામમાં કેમ બીજાનું ડીજે લાવ્યા છો ? તમારૂ ડીજે અને તમને છોડવાના નથી. આટલુ કહીને ટોળાએ વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેથી વરઘોડામાં આવેલા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ફરિયાદીના ભત્રીજા અને અન્ય સંબંધીને માથે પથ્થરના ઘા વાગતા પડી ગયા હતા. ટોળાએ ડીજે સાઉન્ડ સિસ્ટમની પાછળ લગાવેલું લાઈટીંગ પણ તોડી નાખ્યું હતુ. વરઘોડામાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ ડીજેના માણસોને પણ બિભત્સ ગાળો ભાંડી હતી. ફરી ગામમાં ડીજે લાવીશ તો તને અને ડીજેવાળાઓને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ટોળું જતુ રહ્યું હતુ. પથ્થરોના છુટા ઘા વાગતા બેને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 108 બોલાવી વાત્રક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આરોપીઓ વિરૂદ્વ બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










