અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ વાત્રક ડેમની મુલાકાત લઈને સઘન નિરીક્ષણ કર્યું હતું. તેમણે ડેમના જળસ્તર, પાણીની આવક-જાવક, ગેટની કાર્યક્ષમતા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતાઓનું સ્થળ પર મૂલ્યાંકન કર્યું હતું.
કલેક્ટરે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને વર્તમાન સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. વાત્રક ડેમ જિલ્લાનો મહત્વનો જળસ્ત્રોત હોવાથી ચોમાસા દરમિયાન તેની પર સતત નજર રાખવી અનિવાર્ય બને છે. તેમણે કોઈપણ કટોકટી કે આકસ્મિક સ્થિતિ માટે તમામ વહીવટી તંત્ર સજ્જ રહે તેવી સૂચના આપી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં સમયસર ચેતવણી મળે તે માટે ચેતવણી પ્રણાલી ચકાસવામાં આવી હતી. કલેક્ટરે સ્થાનિક વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી રાખવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો હતો. હાલ ડેમની સ્થિતિ સંતોષકારક હોવા છતાં તંત્રને સતત એલર્ટ રહેવા જણાવાયું છે.
