અરવલ્લી જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક તબક્કે પડેલા પહેલા જ વરસાદે સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. મોડાસા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થતાંની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પ્રથમ જ વરસાદમાં માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વહીવટી તંત્રની નબળી આયોજનબદ્ધ કામગીરી સામે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
રેલ્લાવાડા-મોડાસા માર્ગ પર ભરાયા ઢીંચણસમા પાણી
મળતી વિગતો મુજબ, રેલ્લાવાડાથી મોડાસા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે આખો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો. ખાસ કરીને જલારામ પેટ્રોલ પંપ પાસે અને નવી પોલીસ લાઇન તરફ જવાના રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ફરી વળવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
