રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી હવે મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશન ખાતે અસહ્ય ગરમીના કારણે એક મુસાફર ચાલુ બસમાં બેભાન થઈ ઢળી પડતા દોડધામ મચી ગઈ હતી.

ડીસા-દાહોદ બસમાં મુસાફરી દરમિયાન તબિયત બગડી

મળતી વિગતો મુજબ, એક મુસાફર ડીસાથી દાહોદ જતી એસટી (ST) બસમાં મુસાફરી કરી રહ્યો હતો. બસ જ્યારે માલપુર બસ સ્ટેશન પહોંચી ત્યારે મુસાફરે અન્ય સહયાત્રીઓને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરી હતી. ગરમીના પ્રકોપને કારણે જોતજોતામાં મુસાફર બસની અંદર જ બેભાન થઈ ગયો હતો.

ST કર્મચારીઓની સતર્કતા અને ઓળખમાં મુશ્કેલી

ઘટનાની જાણ થતા જ એસટીના કર્મચારીઓ મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મુસાફરને સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે, મુસાફરની ઓળખ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી, કારણ કે તેના મોબાઈલ ફોનમાં પાસવર્ડ હોવાથી તેના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો નહોતો.

તબીબોની સાવચેતી રાખવા અપીલ

હાલમાં મુસાફરને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધતી જતી ગરમી અને હીટવેવની સ્થિતિને જોતા તબીબોએ મુસાફરોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને બપોરના સમયે મુસાફરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવા સલાહ આપી છે.


આ પણ વાંચો - Aravalli: ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈ, અરવલ્લીના ઇસરીનો ઉત્પલ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર