અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી નાખી છે.

નબળા ડાયવર્ઝને સર્જ્યો અકસ્માત

ઘટનાની વિગત મુજબ, ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ જતી આ ટ્રક જ્યારે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે મોટી રાહતની વાત છે.

સંદેશ ન્યૂઝની ચેતવણીને તંત્રએ ઘોળીને પી લીધી

નોંધનીય છે કે, સંદેશ ન્યૂઝ દ્વારા ગઈકાલે જ આ નબળા ડાયવર્ઝન અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે આ ડાયવર્ઝન અત્યંત જોખમી છે અને ગમે ત્યારે અહીં અકસ્માત સર્જાઈ શકે છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા, જેનું પરિણામ આજે આ અકસ્માત સ્વરૂપે જોવા મળ્યું છે.

આ પણ વાંચો: પોલીસને 2 વર્ષથી હાથતાળી આપતો વોન્ટેડ આરોપી મુકેશ ગોહિલ સુરતથી ઝડપાયો