અરાવલી પર્વતમાળા સામે મંડરાઈ રહેલા સંકટ વચ્ચે નાગરિકો અને વિરોધપક્ષમાંથી વિરોધ શરૂ થયો છે. વિપક્ષ દ્વારા અરવલ્લી કલેક્ટરને સંબોધીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.


જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ વી. પટેલે જણાવ્યું હતુ કે, અરવલ્લી બચાવો ઝુંબેશ હેઠળ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે તાત્કાલીક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. ગુજરાતની ઐતિહાસીક અને પર્યાવરણીય રીતે મહત્વની અરવલ્લી પર્વતમાળા આજે ગંભીર સંકટમાં છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર અને મધ્ય ગુજરાતના કરોડો નાગરિકોના પાણી, ખેતી અને પર્યાવરણનો આધારસ્તંભ છે. અરવલ્લી જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં બેફામ ખનન, જંગલ જમીનનું ખાનગીકરણ અને પર્યાવરણ કાયદાની ખુલ્લેઆમ અવગણના થવાથી પર્વતમાળાનો વિનાશ ઝડપથી આગળ વધશે. 100 મીટરથી ઓછી ઉંચાઈ અરવલ્લી નથી જેવી ભ્રામક વ્યાખ્યાઓના આધારે અરવલ્લી વિસ્તારને સંરક્ષણમાંથી બહાર રાખવાની કાર્યવાહી ચિંતાજનક છે. જેથી જિલ્લામા ભૂગર્ભ જળસ્તર ઝડપથી ઘટી જશે. પાણીના સ્ત્રોતો સુકાઈ જશે અને ખેડૂતો તેમજ આદિવાસી સમાજનું જીવન જોખમમાં મુકાશે. જો પગલા નહી લેવાય તો આવનારા સમયમાં ઉત્તર ગુજરાત ગંભીર જળસંકટ અને પર્યાવરણના વિનાશ તરફ ધકેલાઈ જશે. અરવલ્લી અંગે ખોટી અને ભ્રામક વ્યાખ્યાઓ રદ્દ કરી અરવલ્લી પર્વતમાળાને સંપૂર્ણ પર્યાવરણીય સુરક્ષા આપવામાં આવે તેમજ રાજય સરકાર દ્વારા સ્પષ્ટ અને કડક નિર્ણય લેવામાં આવે તેવી લોકોની માગણી છે. આ મામલે રાજ્ય સરકાર તાકિદે અસરકારક પગલા નહી ભરે તો અરવલ્લી બચાવો ઝૂંબેશ હેઠળ લોકશાહી માર્ગે જનઆંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: