બાલાસિનોર તાલુકાના કરણપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતા માત્ર 14 વર્ષીય વિદ્યાર્થી ઉત્સવ મહેરાના આકસ્મિક મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. બાલાસિનોર નગરના ખોડિયાર નગરનો વતની ઉત્સવ મહેરા મંગળવારે સાંજના સમયે શાળાના કમ્પાઉન્ડ ગ્રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે કબડ્ડી રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતાં તે મેદાનમાં જ ઢળી પડયો હતો. આ ઘટનાને પગલે શાળા પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. શાળાના સ્ટાફ્ દ્વારા તેને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્સવ મહેરા અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ પ્રતિભાશાળી હતો. તેણે અગાઉ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યો હતો. એક ઉભરતા ખેલાડીનું આ રીતે અકાળે અવસાન થતાં શાળા પરિવાર, મિત્રો અને રમતપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. માત્ર 14 વર્ષની કુમળી વયે પ્રતિભાશાળી વિદ્યાર્થીનું અચાનક અવસાન થતાં વાલીઓ અને શિક્ષણ જગતમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો