બાલાસિનોરના સાલિયાવડી દરવાજા વિસ્તારમાં આવેલા કાલુપુર તાબાના સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત ભગવાન સમક્ષ વિવિધ પ્રકારનાં તાજાં લીલાં શાકભાજીની ભવ્ય હાટડી તૈયાર કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિશેષ પરંપરા મુજબ શિયાળાની નવી સિઝનમાં ખેતરોમાં તૈયાર થતાં તાજાં શાકભાજી સૌપ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ નિમિત્તે મંદિર પરિસરમાં જાણે શાકભાજીનું બજાર ભરાયું હોય તેવો સુંદર નજારો સર્જાયો હતો. વિવિધ પ્રકારનાં લીલાં શાકભાજીની આકર્ષક ગોઠવણી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી ધાર્મિક પરંપરા મુજબ ભગવાનને અર્પણ કર્યા બાદ આ શાકભાજી પ્રસાદી સ્વરૂપે હરિભક્તો અને જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવે છે. આ અનોખી હાટડીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો અને નગરજનો મંદિરે ઉમટી પડયા હતા. સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ સાથે ઉજવાયેલા ધાર્મિક આસ્થા, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
