બાલાસિનોર શહેરમાં દસ દિવસ સુધી દુંદાળાદેવના આતિથ્ય બાદ આજે ભક્તોએ ભારે હૈયે શ્રી ગણેશજીને ભાવભરી વિદાય આપી હતી. શહેરમાં નાની-મોટી મળી કુલ 100 થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું સુદર્શન તળાવ ખાતે વિધિવત્ વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણેશ વિસર્જન નિમિત્તે બાલાસિનોર શહેરના સલિયાવાડી દરવાજા ચોક ખાતેથી વિજય મુહૂર્તમાં પરંપરાગત શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વિવિધ ગણેશ મંડળો ડીજે, ઢોલ-ત્રાંસા અને ભક્તિ સંગીતના તાલે જોડાયા હતા. અબીલ-ગુલાલની છોળો અને ભક્તોના ઉત્સાહ વચ્ચે સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું.
શોભાયાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યાના જયઘોષથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. સલિયાવાડી દરવાજા ચોકથી નીકળેલી શોભાયાત્રા નિયત માર્ગો પરથી પસાર થઈ સુદર્શન તળાવ ખાતે પહોંચી હતી. જ્યાં ગણેશ મંડળો દ્વારા એક પછી એક શ્રીજીની પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પર્વ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ તેમજ વિસર્જન સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બીજી તરફ્, બાલાસિનોર નગરપાલિકા દ્વારા સુદર્શન તળાવ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેમાં ક્રેન, તરાપા તેમજ તરવૈયાઓની ટીમ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આમ, ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર યોજાયેલી ગણેશ વિસર્જન શોભાયાત્રા બાદ બાલાસિનોર શહેરમાં ગણેશોત્સવનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો