બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડ ગામે આજે એક એવી હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેણે સમગ્ર પંથકને હિબકે ચઢાવ્યું છે. ડોડ ગામના તળાવમાં પાણી ભરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સંતાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. માતાની નજર સામે જ તેના ત્રણ-ત્રણ જુવાનજોધ સંતાનો પાણીમાં ગરકાવ થઈ જતાં વાલ્મિકી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
ભાઈને બચાવવા જતાં બહેનોએ જીવ ગુમાવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, શિવાભાઈ વાલ્મિકીનો પરિવાર તળાવે પાણી ભરવા ગયો હતો. આ દરમિયાન 12 વર્ષનો વિપુલ અચાનક ઊંડા પાણીમાં જવા લાગ્યો હતો. ભાઈને ડૂબતો જોઈ 13 વર્ષની નાની બહેન ગુડીબેન તેને બચાવવા દોડી હતી, પરંતુ તે પણ ડૂબવા લાગી હતી. આ બંનેને બચાવવા માટે 18 વર્ષીય મોટી બહેન હેતલબેને પણ તળાવમાં ઝંપલાવ્યું હતું. કમનસીબે, ત્રણેય ભાઈ-બહેનો એકબીજાને બચાવવાના પ્રયાસમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
માતાની નજર સામે જ ખેલાયો કરુણ ખેલ
આ સમગ્ર ઘટના સમયે ત્રણેય સંતાનોની માતા ત્યાં જ હાજર હતી. પોતાની નજર સામે જ ત્રણેય સંતાનોને કાળના ગાલમાં સમાતા જોઈ માતાએ આક્રંદ મચાવ્યું હતું. હેતલબેન (18 વર્ષ) પોતે પરિણીત હતા અને તેમના બે માસૂમ બાળકો પણ છે. ભાઈ અને બહેનને બચાવવા જતાં હેતલબેને પોતાના જીવની આહુતિ આપી દીધી, જેના કારણે તેમના બે નાના બાળકો હવે નોંધારા બન્યા છે.
ગામમાં પ્રસરી શોકની કાલીમા
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના ત્રણ આશાસ્પદ સંતાનોના મોતથી ડોડ ગામ અને વાલ્મિકી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ