બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતર્ક બની છે. તાજેતરમાં બનાસકાંઠા એલ.સી.બી. (LCB) એ પાલનપુર તાલુકા વિસ્તારમાં ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી એક બલેનો કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹7.65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે કારનું ટાયર ફાટી જતાં આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ગુપ્ત બાતમી અને નાકાબંધી

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કડક સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇકબાલગઢ તરફથી એક શંકાસ્પદ બલેનો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ચિત્રાસણી આશીર્વાદ હોટલ પાસે હાઈવે પર વોચ ગોઠવી હતી.

 ટાયર ફાટ્યું ને કાર રોકાઈ

જ્યારે બાતમી મુજબની બલેનો ગાડી (નંબર: GJ.24.AF.1150) ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. પોલીસે તાત્કાલિક આ ગાડીનો પીછો શરૂ કર્યો હતો. પીછો કરવા દરમિયાન મલાણા ગામ તરફ જતા રોડ પર અચાનક ગાડીનું ટાયર ફાટી ગયું હતું. ગાડી આગળ ચાલી શકે તેમ ન હોવાથી, ચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈને ગાડી મૂકીને ખેતરોમાં નાસી છૂટ્યા હતા.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ