બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી એલ.સી.બી. પોલીસ એક્શનમાં છે. આ દરમિયાન ડીસા રૂરલ પોલીસ મથકની હદમાં આવતા અજાપુરા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીના રોકડ નાણાં સાથે કુખ્યાત આરોપીને દબોચી લીધો છે.


ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ

બનાસકાંઠા LCBની ટીમ જ્યારે ડીસા રૂરલ વિસ્તારમાં પ્રોહિબિશન અને મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં હતી, ત્યારે તેમને ભોયણ ગામેથી ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે, બે દિવસ પહેલા અજાપુરાના ‘બાળાગૌરી એન્ટરપ્રાઈઝ’ નામની દુકાનમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ભોયણ બસ સ્ટેન્ડ તરફ આવી રહ્યો છે. બાતમીના વર્ણન મુજબના શખ્સને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.

ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જપ્ત

પકડાયેલા આરોપીની આકરી પૂછપરછ કરતા તેણે અજાપુરાની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી તમામ રોકડ રકમ ₹47,870/- કબજે કરી છે. આ કામગીરીથી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.

પોલીસની સતર્કતાની પ્રશંસા

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ LCB પી.આઈ. અને તેમની ટીમે જે રીતે ફિલ્ડમાં રહીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પકડ્યો છે, તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલ ભેગો કરવાની તજવીજ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: લિંબાયત પોલીસ સ્ટેશનનો રાજ્યમાં રેકોર્ડ, વર્ષ 2025માં સૌથી વધુ 100 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી

  • Follow us on: