કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ડેરીની ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ (Embryo Transfer - ET) લેબોરેટરીની મુલાકાત લીધી હતી. તેમણે આ આધુનિક લેબની કાર્યપ્રણાલી, ટેક્નોલોજીકલ પાસાંઓ અને પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠાની મુલાકાતે

બનાસ ડેરી દ્વારા NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) અને NDS (નેશનલ ડેરી સ્કીમ) ના સહયોગથી આધુનિક એમ્બ્રિયો ટ્રાન્સફર (ET) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ પશુધનની ગુણવત્તામાં સુધારો કરીને શ્રેષ્ઠ નસલના પશુઓનું ઉત્પાદન કરવાનો છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એમ્બ્રિયો ટેક્નોલોજી ક્ષેત્રે રૈયા ફાર્મને મળેલી સફળતાની સમીક્ષા કરી હતી અને આ પ્રગતિને સરાહનીય ગણાવી હતી.

રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની લીધી મુલાકાત 

વર્ષ 2021થી રૈયા ફાર્મ ખાતે શરૂ થયેલી આ કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. અત્યાર સુધી 700થી વધુ એમ્બ્રિયો ઉત્પન્ન કરાયા છે. 522 એમ્બ્રિયો ટ્રાન્સફર કરાયા છે. 83 સફળ ગર્ભધારણ પ્રાપ્ત થયા છે. 40થી વધુ 'એલાઇટ' (શ્રેષ્ઠ નસલના) વાછરડાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓની ઉચ્ચ સ્તરીય ટીમે પણ આ ET કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી પશુપાલન અને ડેરી ઉદ્યોગને નવું બળ મળશે અને પશુઓની ઉત્તમ ઓલાદો વિકસાવવામાં મદદ મળશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: