બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે પશુપાલન પર નિર્ભર એક ગરીબ પરિવાર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. અહીં માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં એકસાથે 40 જેટલી બકરીઓના શંકાસ્પદ રીતે મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુંદરી ગામના પશુપાલક સુજાભાઈ રબારી પોતાની બકરીઓ ચરાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
દાંતીવાડામાં 40 બકરીના શંકાસ્પદ મોત
છેલ્લા બે દિવસ દરમિયાન તેમની બકરીઓની તબિયત અચાનક લથડી હતી. એક પછી એક એમ જોતજોતામાં 40 જેટલી બકરીઓ મૃત્યુ પામતા સુજાભાઈની આજીવિકા છીનવાઈ ગઈ છે. પશુપાલકે પોતાની વહાલસોયી બકરીઓને ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે.આ ગંભીર ઘટનામાં પશુપાલક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
સારવાર બાદ બકરીના મોત થયાના આક્ષેપ
સુજાભાઈના જણાવ્યા અનુસાર, બકરીઓ બીમાર પડતા તેમણે એક ખાનગી પશુ ચિકિત્સક (પશુ ડોક્ટર તરીકે કામ કરતા વ્યક્તિ) પાસે તેમની સારવાર કરાવી હતી. આક્ષેપ છે કે, આ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સારવાર અથવા દવા બાદ જ બકરીઓની હાલત વધુ બગડી હતી અને ટપોટપ મોત થવા લાગ્યા હતા. હાલમાં પશુપાલક દ્વારા ન્યાયની અને આર્થિક સહાયની માંગ કરવામાં આવી રહી છે. જો સરકારી પશુ ચિકિત્સકો દ્વારા મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે, તો જ મોતના સાચા કારણ પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ