સરહદી બનાસકાંઠા અને પાટણ જિલ્લામા ખેડૂતો દ્વારા લાખો હેકટર જમીનમાં શિયાળુ સીઝનના વિવિધ પાકોનુ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતરને પિયત માટે સિંચાઇનું પાણી મળી રહે તે માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ચારેક દિવસ અગાઉ કેનાલમાં પાણી છોડવા આવ્યું છે જેને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની 16 હજાર હેકટર જમીનમાં કરેલા વાવેતરને ફાયદો થશે. રણ અને પર્વતીય વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં એકાંતરે વર્ષે અપૂરતા વરસાદને લઈ સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય રહી છે જેમાં ગત ચોમાસામાં ઉપરવાસમાં નહિવત વરસાદ લઇ દાંતીવાડા ડેમ જળ સંગ્રહ થી અધૂરો રહ્યો છે જ્યારે સીપુ અને મુકેશ્વર ડેમમા નહિવત પ્રમાણમાં પાણીની આવક થઇ હતી. જોકે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોએ લાખો હેકટર જમીનમાં શિયાળુ પાકોમાં રાયડો, એરંડા,વરિયાળી, જીરું, ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ રવી સીઝનના વાવેતરને પિયતનું પાણી ન મળે તો વાવેતર મુરઝાઇ જાય તેમ હોય ખેડૂતો દ્વારા દાંતીવાડા જળાશયમાંથી પાણી છોડવાની માંગ કરવામાં આવતા દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફ્તે 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામા 16 હજાર હેક્ટરમાં કરેલા વાવેતરને એક પિયતનું પાણી મળશે. વાવેતરને ફાયદો થવાને લઇ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો