પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના થરા ખારીયા ગામની સીમમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતો ખેડૂત પોલીસની રેઈડમાં ઝડપાઈ ગયો છે. પોલીસે સ્થળ પરથી કુલ 64 ગાંજાના છોડ સહિત રૂ. 31 લાખ 7 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ખારીયા ગામની સીમમાં નેકાખાડ નામથી ઓળખાતા પોતાના કબજા ભોગવટાના ખેતરમાં રાજુભા કાણુભા વાઘેલા (રહે. ખારીયા જગતાણી પાટી સીમ, તા. ઓગડ, જી. બનાસકાંઠા) એ કપાસના વાવેતરની વચ્ચે છૂટાછવાયા રીતે બિનઅધિકૃત માદક પદાર્થ ગાંજાના છોડ ઉગાડયા છે. બાતમીના આધારે પોલીસે પંચો સાથે રેઈડનું આયોજન કર્યું હતું. રેઈડ પહેલા નિયમ મુજબ પંચોએ પોલીસના માણસો, સરકારી વાહનો અને પંચોની અરસપરસ અંગઝડતી કરી હતી, જેમાં એન.ડી.પી.એસ. લગત ચીજવસ્તુ મળી આવી ન હતી. ત્યારબાદ પોલીસ ટીમે ખેતરમાં તપાસ કરતા કપાસની વચ્ચે ગાંજાના છોડ ઉગાડેલા જોવા મળ્યા હતા.પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના છોડ નં. 54 તથા કાપેલા ગાંજાના છોડ નં. 10 એમ કુલ 64 છોડ કબજે કર્યા હતા. જેનું કુલ વજન 62 કિલો 740 ગ્રામ થયું હતું, જેની કિંમત રૂ. 31,07,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત સ્થળ પરથી આધાર કાર્ડની નકલ, સાત-બાર, 8-અ ના ઉતારાની નકલ, લાઈટબીલ ભર્યાની પહોંચની નકલ તથા કિંમત રૂ. 5,000 નો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 31,07,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી રાજુભા કાળુભા વાઘેલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
