બનાસકાંઠા જિલ્લા પંચાયતની ડીસા તાલુકાના નેસડા જુના બેઠક પર આવેલા પરિણામોએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. નેસડા જુના સીટ પર કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થતાં ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. ખાસ કરીને રબારી સમાજના યુવા અગ્રણી નરસિંહ દેસાઈએ કોંગ્રેસના નિશાન પર વિજયની હેટ્રિક સર્જતા ભાજપના સૂપડા સાફ્ થઈ ગયા છે.


આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પહેલા નરસિંહ દેસાઈ ભાજપ પાસેથી ટિકિટની માંગ કરી રહ્યા હતા, પરંતુ પક્ષ દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવતા તેમણે કોંગ્રેસનો સાથ પકડયો હતો. રબારી સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા આ યુવા નેતાએ પોતાની લોકપ્રિયતા સાબિત કરી બતાવી છે. આ હારને પગલે સ્થાનિક ભાજપ સંગઠનની વ્યૂહરચના સામે અનેક સવાલો ઉભા થયા છે.

નેસડા બેઠકના આ ચોંકાવનારા પરિણામોની નોંધ ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ દ્વારા પણ લેવામાં આવી છે. નેસડા જુના જિલ્લા પંચાયત બેઠકની સાથે તાલુકા પંચાયતની લોરવાડા, ઓઢવા, બલોધર અને નેસડા સીટ પર પણ ભાજપની હારથી સત્તાધારી પક્ષ માટે આ પરાજય માત્ર એક બેઠકની હાર નથી, પરંતુ પ્રતિષ્ઠાનો જંગ હારવા સમાન માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો અને સૂત્રોનું માનીએ તો, આ પરાજય બાદ ભાજપના સ્થાનિક માળખામાં મોટા ફેરફરો થઈ શકે છે. હાલ તો નેસડામાં કોંગ્રેસના વિજયી સરઘસ અને ભાજપમાં મૌન વચ્ચે બનાસકાંઠાનું રાજકારણ પૂરેપૂરું ગરમાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: