બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી 55 ગામોને સમાવી વહીવટી સરળતા માટે રચાયેલ નવનિર્મિત ઓગડ તાલુકો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિકાસ અને રાજકીય સંચાલનના નવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તાલુકામાં નવી રાજકીય બોડી સાથે વહીવટી માળખું વધુ મજબૂત બનાવવા પ્રક્રિયા તેજ બનવાની શક્યતા છે. તાજેતરના ચૂંટણી પરિણામોમાં ઓગડ તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકોમાંથી ભાજપે બે બેઠકો કબજે કરી પોતાની રાજકીય પકડ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસે એક બેઠક જીતી પ્રતિસ્પર્ધી હાજરી નોંધાવી છે. તાલુકા પંચાયતની 20 બેઠકોમાં ભાજપે 12 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસે 8 બેઠકો સાથે સશક્ત વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. આ પરિણામો બાદ થરા નગરપાલિકા પાસે આવેલી તાલુકા પંચાયત કચેરી હવે વધુ સક્રિય રાજકીય અને વહીવટી કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહી છે. મળતી માહિતી મુજબ નવી ચૂંટાયેલી બોડી માટે ચેરમેન, ઉપપ્રમુખ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, આરોગ્ય, બાંધકામ અને અન્ય સ્થાયી સમિતિઓના સભ્યો માટે અલગ ઓફ્સિો અને બેઠક સુવિધા ઉભી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
નવી ઓફ્સિ વ્યવસ્થા અમલમાં આવતા ગ્રામ્ય વિકાસ યોજનાઓ, શિક્ષણ સુધારણા, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, સામાજિક ન્યાય અને સરકારી યોજનાઓના અમલીકરણમાં વધુ ગતિ આવવાની અપેક્ષા છે. સ્થાનિક નાગરિકોને વહીવટી કામકાજ માટે દૂર કાંકરેજ સુધી જવાની જરૂરિયાત ઘટશે, જેનાથી જનસેવામાં સરળતા વધશે. નવનિર્મિત તાલુકામાં ભાજપની બહુમતીને કારણે વિકાસલક્ષી નિર્ણયો ઝડપથી અમલમાં આવશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ પણ તાલુકાના પ્રશ્નોને લઈ સક્રિય ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે.










