ગુજરાત સરકારની ખેતી-ખેડૂત-ગામડાની સમૃદ્ધિની યોજના કિસાન પથ અંતર્ગત , ઓગડ તાલુકાના ખારીયા ત્રણ રસ્તાથી મોટા જામપુરા રોડ નું રૂ. 2,80,12,928.68ના ખર્ચે રીસરફેસિંગ અંતર્ગત તા.28/05/2025 ના રોજ શરૂ થયેલું આ કામ 27/11/2025 ના રોજ પૂર્ણ થયું હોવાનું બોર્ડ પર દર્શાવાયું છે. પરંતુ એક જ વર્ષમાં જાળવણીના અભાવે આ રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. મોટા જામપુરાથી થરા હારીજ સ્ટેટ હાઇવે ખારીયા ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર બનાસ નદીમાંથી દિવસ રાત રેતી ભરેલા ભારેખમ ડમ્પરો અને આઇવા ચાલવાથી આ રોડ પર ઠેર ઠેર વચ્ચેથી રોડ તૂટીને મોટા ખાડા પડી ગયા છે. રોડની બંને બાજુ બોર્ડર પટ્ટા પણ બનાવવામાં આવેલા નથી બંને બાજુ રેતી ભરેલા ડમ્પરો માંથી રેતી ઉડતા બંને બાજુ રોડના ઢગલા બની ગયા ચોમાસામાં ઉગેલા ઝાડી-ઝાંખરા હટાવવામાં ન આવતા રોડ સાંકડો બની ગયો છે. ઉપરાંત રોડ પર માટી અને ધૂળના ઢગલા જામ થઈ ગયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને ધૂળના ગોટેગોટા ઉડતા આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. અને રોડની સાર સંભાળ નું કામ કરવા નક્કી કરાયેલી એજન્સી નિષ્ફ્ળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, પાલનપુર દ્વારા જે.પી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાલનપુર એજન્સી પાસે કરાવવામાં આવેલા આ કામમાં માટીકામ, કાંકરકામ, મેટલકામ અને રોડ ફ્ર્નિશિંગનો સમાવેશ થતો હતો. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું કામગીરીમાં ગુણવત્તા જળવાઈ હતી કે પછી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કરોડો રૂપિયાનું આંધણ પાણીમાં ગયું તે બાબતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ગાંધીનગર દ્વારા તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા લોકમાર્ગ ઉઠવા પામી છે. સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડનું સમારકામ કરવામાં આવે, ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ દ્વારા ગુણવત્તાની તપાસ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
