ભાભર-રાધનપુર નેશનલ હાઈવે પર ભાભર તાલુકાના ગાંગુણ ગામના પાટિયા નજીક ગત રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફ્થી પોતાના વતન લાલપુરા ગામ જઈ રહેલા બાઈકચાલક યુવકની બાઈક અચાનક રસ્તા પર આવી ચડેલી ગાય બાઈક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વાવ તાલુકાના લાલપુરા ગામના 22 વર્ષીય શંભુજી ભાવાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ગાય અને બાઇક ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર રખડતા ઢોરની ગંભીર સમસ્યા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં રખડતા ઢોર સામે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
