ઓગડ તાલુકાના થરા વિસ્તારમાં વધુ એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. રાધનપુર શહેરના એક યુવાનનું બાઈક અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં પરિવારમાં તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ રાધનપુર શહેરના ઇલિયાસભાઈ લતીફ્ભાઈ ઘાચીએ થરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો દીકરો લતીફ્ મને ફોન પર પોતાની પલ્સર બાઈક લઈને દિયોદર મુકામે પોતાની પત્નીને તેડવા જવાનું કહીને રાધનપુરથી નીકળ્યો હતો. તે દરમિયાન થરા-દિયોદર રોડ ઉપર જતા વખતે અચાનક બાઈકના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે બાઈક અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં યુવાનને માથા, મોઢા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને તાત્કાલિક થરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કર્યા બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. દીકરાના અકસ્માતના સમાચાર સાંભળતા જ પિતા સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતાંજ તેમના ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. આ બનાવના સમાચાર રાધનપુર ખાતે પહોંચતાં કુટુંબીજનો તેમજ વિસ્તારમાં રહેતા લોકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ થરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર









