ભાભર તાલુકાના અબાસણા ગામે આડા સંબંધનો વહેમ રાખી ગામના જ એક યુવાનની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી પુરાવાનો નાશ કરવાનું કાવતરું કર્યું હોવાનું ખુલ્યું છે. ભાભર પોલીસે હત્યા કેસમાં એક સગીરને રાઉન્ડ અપ કરી સગીર સહિત ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાભર તાલુકાના અબાસણા ગામથી એક યુવાન ગુમ થયો હોવાની ગુમ નોંધ ભાભર પોલીસ મથકે થઈ હતી. પોલીસે ગુમ થનાર યુવાનની તપાસ હાથ ધરી હતી ત્યારે એક સગીરાએ ગુમ થનાર યુવાનની મારા ભાઈએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ભાભર પોલીસ અને પેરોલ ફ્લોની 3 અલગ અલગ ટીમો બનાવી તે દિશામાં તપાસ શરૂ કરી શકમંદોને ભાભર પોલીસ મથકે બોલાવી પુછપરછ કરતા ગુમ થનાર જગદીશ હેમંતજી ઠાકોર ઉ.વ. 22 રહે. અબાસણા વાળાની લાશ કેનાલમાંથી મળી આવી હતી. આ ચકચારી બનાવ અંગે આરોપીઓએ કબુલ્યું હતું કે મૃતક જગદીશ ઠાકોરને અબાસણા ગામના ખેતરમાં બોલાવી એક સગીર અને તેના મોટાબાપાના દિકરા અશોક શાંતીજી ઠાકોરનાઓએ ભેગા મળી તેને માથાના ભાગે ધોકો મારતાં મૃતક જગદીશ નીચે પડી ગયેલ ત્યારબાદ સગીરે તેની પાસે રાખેલ છરો મરણ જનારને ઉપરા છાપરી ત્રણ થી ચાર ઘા મારેલ અને ગળાનાં ભાગે છરો મારી મોતને ઘાટ ઉતારી અને પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં ભરી ખેતરમાં રાયડાના ઠુંઠા નીચે સંતાડી દીધેલ અને બીજા દિવસે આરોપીએ તેના બાપા શાંતીજી ચેહરાની ઠાકોરને વાત કરેલ જેથી તેઓએ જણાવ્યું હતુ કે લાશને હવે સગેવગે કરવી પડશે. એટલે રાત થવા દો તેમ કહેલ હતું. બીજા દિવસે રાત્રે 11 થી 12 ના અરસામાં લાશને સંતાડેલી હતી ત્યાંથી બહાર કાઢી શાંતીજીએ પોતાના ભાણેજ સુરેશ હરજી ઠાકોર રહે. ઉચોસણ તા. સુઈગામને ફોન કરી તેઓની સ્વીફ્ટ કાર લઈને આવવા માટે બોલાવી લાવેલ અને ત્રણેય જણાએ લાશને કારમાં ભરીને ચારંડા પુલ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ફેંકી દીધી અને ઘરે જતા રહ્યા હતા. તેવી હકીકત પોલીસને જણાવતા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી હત્યાના ગુનામાં ફરાર આરોપીઓને ભાભર પોલીસ અને પેરોલ ફ્લો ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ એક સગીરને રાઉન્ડ અપ કરી ત્રણ આરોપીઓને અટક કરી વધુ તપાસ ભાભર પીઆઇ એસડી ચૌધરી ચલાવી રહ્યા છે.










