કાંકરેજ તાલુકાના શિહોરી-દિયોદર માર્ગ પર સોમવારે સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવે સમગ્ર પંથકને હચમચાવી મૂક્યો છે. બેફામ ઝડપે દોડી રહેલી અલ્ટો કારે ઇલેક્ટ્રિક એક્ટિવાને પાછળથી ઠોકર મારતાં એક્ટિવા ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, અલ્ટો કારની ટક્કર વાગતાં જ એક્ટિવા સહિત ચાલક રોડ પર પટકાઈને લગભગ 200 મીટર સુધી ઢસડાયા હતા. આ ભયાનક ઘટનામાં ચાલકને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર રસ્તા પર જ રેઢી મૂકીને નાસી છૂટયો હતો. આ બનાવમાં મૃત્યુ પામનાર શિહોરીના સોમસિંહ ગોદડસિંહ ડાભી (ઉંમર 53) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સમગ્ર વિસ્તારમાં રામાપીરના પરમ ભક્ત તરીકે ક્કજય નકલંગક્ર ના નામે ઓળખાતા હતા. તેમના અચાનક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા. એક ભક્તિમય અને મળતાવડા વ્યક્તિના આવા અકાળે મોતથી શિહોરી સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર કબજે કરી ફરાર ચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો